સતાધાર જગ્યામાં પૂ.શ્રીગીગાબાપુ પછી વિરલપ્રતાપી
પૂ.મહંતશ્રી કરમણબાપુ ગુરુશ્રી ગીગાબાપુ

બગસરા પાસેના માવજીંજવા ગામે ગેડીયા શાખના કુંભાર કરમશીભાઈનો ત્રાસ ગામને અસહ્ય થઇ પડયો હતો. હવે તો કોઈનું જોડીયું કાઢી બીજાને ધુણાવે ધુણતા માણસના કુટુંબી પાસેથી નગદનાણું પડાવ્યા પછી જ માણસને ધૂણતું બંધ કરે…. આ સમાચાર પૂ.આપાગીગાને મળ્યા તેમને કરમશીભાઈને સતાધાર તેડાવ્યા પણ આવ્યા નહિ. ત્યાર પછી બે ત્રણ વાર સમાચાર મોકલ્યા પણ કરમશીભાઇ એ ગણકાર્યું નહિ. એકાદ મહિના પછી માવજીજવાનાં ગાડા બાજરો લઈને સતાધાર જતા હતા. રામજી મંદિરે બેઠેલા કરમશીભાઈ એ પૂછ્યું બગસરા જાવ છો.?જવાબ મળ્યો સતાધાર જઈએ છીએ … આવવું છે.?હા..ભાઈ…બાપુએ તેડાવ્યો છે. પણ હું ગયો નથી. હાલો…એમ કહી ગાડામાં બેસી ગયા. એક બળદગાડું આગળ નીકળીને સતાઘાર પહોંચ્યું. ગાડા ખેડુએ બાપુને પગેલાગી કહ્યું વાંહેના બીજા ગાડામાં કરમશીભાઇ આવે છે. તેના ત્રાસમાંથી ગામને છોડાવજો… તમારો સેવક પણ છે.

પૂ.આપાગીગાએ એક ટેલિયાને કાળા કપડા આપી ઘોડા ઉપર સામે રવાના કર્યો. અને કહેવડાવ્યું આ કપડા પહેરીને સાંજે જગ્યાનું ધણ આવે ત્યારે પાછળ પાછળ ચાલીને જગ્યામાં આવવાનું છે. સાંજ સુધી વોકળીને કાંઠે બેસવાનું છે.

પૂ.આપાગીગાની સૂચના મુજબ સાંજે જગ્યાની ગાયો પાછળ ઊડતી ધૂળની ડમરી વચ્ચે રહીને કરમશીભાઇ જગ્યામાં આવ્યા ત્યાં પોતે પહેરેલ કાળા કપડાં ઉજળા દૂધ જેવા સફેદ થઈ ગયા. હૃદય પરિવર્તન થયું અંતરમાં અજવાળા પ્રગટી ગયા… જૂનો જોગિ જીવ જાગી ગયો….. જગ્યાના ઝાંપામાં જ આપાગીગા ઉભા હતા. કરમશી ભુવા લાકડી પડે તેમ આપાગીગાના પગમાં પડી ગયા. પૂ.આપાગીગાએ ઉભા કરી છાતીએ લગાડીને ભેટ્યા અને બાપુ બોલ્યા, બાપ કરમણ તું તો આગલા ભવનો અવતારી જીવ છો. સંત પારસમણિના સ્પર્શથી કરમશીભાઇ ભુવા એક ક્ષણમાં ”  કરમણપીર ” બની ગયા બાપુને પૂછ્યું આ પોટલીમાં ભેગા કરેલા પ્રેતાત્માને કયા મુકુ ?  આપાગીગાએ કહ્યું સામેના વડલે પોટલીની બધી ગાંઠો છોડીને મૂકીદો… અને કહેજો કે જગ્યામાં થાળ કે દેગ થશે ત્ત્યારે પ્રસાદ ધરાશે. આ વડલો આજે પણ સતાધાર મોજુદ છે. અને ભૂતિયાવડલા તરીકે પ્રખ્યાત છે.

કરમણભગત થોડા દિવસમાં જ જગ્યાના વાતાવરણમાં ઓતપ્રોત થઈ ગયા. આપાગીગાને બરાબર પાકી ખાત્રી થયા પછી પોતાના વારસરૂપે મન માં સ્વીકારી લીધા એક વાર સંધ્યા આરતી પછી રાત્રે એકાંતમાં પાસે બેસાડીને જગ્યાને કેમ જાળવવી તેની તમામ પ્રણાલી સમજાવી…. મન મોટું રાખવા ઉપર ખાસ ભાર મુક્યો … બને સાથે ચાલ્યા હાલના દેવળની જગ્યાએ જમીન ઉપર લાકડી ના ચોરસ લીટાદોરી અત્યારે જ સમાધિ ગળાવવાની અને કોઠારમાંથી પૂજાનો સામાન કઢાવી લેવાની સૂચના આપી… કાલે વહેલી સવારે મારે સ્વધામ જવાનું છે.  મારે જીવતા સમાધિ લેવી છે… કરમણબાપુ વાત સાંભળી દિગ્મૂઢ બની ગયા.. કોઈ ગેબી શક્તિએ દલીલ કરવાનો મોકો આપ્યો નહિ માત્ર આપાગીગાના આદેશો સાંભળી લેવાની એકાગ્રતા પ્રાપ્ત થઈ….

પૂ.આપાગીગાએ પૂ.કરમણબાપુને સ્વહસ્તે સતાધારની જગ્યાના ગાદીપતિ તરીકે નું તિલક આપ્યું… આમ પૂ.કરમણબાપુ ઈ.સ. 1869 માં સતાધારના ગાદીપતિ બન્યા. પૂ.કરમણબાપુ સતાધારના ગાદીપતિ થયા તેની સામે બીજી એક જગ્યાના મહંતશ્રી તરફથી વાંધો લેવાયો. અને જૂનાગઢ નવાબ મહાબત ખાન પાસે સતાધાર જગ્યાના મહંત પદ માટે લેખિત ફરિયાદ થઈ. દીવાની તકરાર હોવાથી તુર્ત નિર્ણય થઈ શક્યો  નહિ. આ દરમ્યાન જગ્યામાં બાવાજી લક્ષમ્ણદાસને પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. દેવળવાળો કોઈ રસ્તો બતાવશે એમ વિચારી પૂ.કરમણબાપુ ડમરાળા ગામ તરફ ચાલી નીકળ્યા.

ડમરાળા પાદરમાં બાબી દરબાર હુસેનમામદ જૂમાખાનજી ગામના આગેવાનો સાથે ઉભા હતા. બાબી દરબારે બધી વિગતો જાણી પોતાના ગામને પાદર જમીન બક્ષીસ આપી જગ્યા બાંધવા તમામ સગવડો પુરી પાડી. આમ ડમરાળામાં પૂ.આપાગીગાની જગ્યાની સ્થાપના થઇ ..

પૂ.કરમણબાપુ અને ફરિયાદી મહંતશ્રીને જૂનાગઢ નવાબની કચેરીમાં તેડાવ્યા … બંનેની ખુરશી નીચે મરેલા પારેવા મુકાવ્યા… પૂ.કરમણબાપુની ખુરશીની ચેનું પારેવું પાંખો ફફડાવી બારી બહાર ઉડી ગયું. ફેંસલો થઈ ગયો.. ભરેલા દરબાર વચ્ચે પૂ.કરમણપીરને રજવાડી પોષાકની પહેરામણી કરી. સોરઠ સરકાર તરફથી બહુમાન કરવામાં આવ્યું. આ રજવાડી પોષાક હાલમાં બગસરાની જગ્યામાં મોજુદ છે. પૂ.કરમણબાપુએ અંગે ધારણ કરેલ આ પોષાકને પવિત્ર પ્રસાદી તરીકે સંધ્યા આરતી સમયે લોબાનનો ધૂપ નિયમિત વર્ષોથી અપાય છે. આ બધી પ્રસાદીની ચીજોનું એકવાર દર્શન માત્ર જન્મારો સફળ બનાવે એવી પવિત્ર અને પીરાણી છે….

પૂ.કરમણબાપુએ પૂ.આપાગીગાની સમાધિ ઉપર ઉતરાદાબારનું દેવળ ચણાવ્યું અને પૂ.આપાગીગાનું આસન  જે જગ્યાએ રહેતું તે સ્થળે પૂ.આપાગીગા નો ઢોલિયો પધરાવી ધૂપ દીપ શરૂ કર્યા. દેવળ પૂરું થતા વિ.સં.1933 માં પૂ.આપાગીગા પાછળ સંતમેળો કર્યો. હજારો ભાવિકો ને પ્રસાદ લેવડાવ્યો સાધુ બ્રામ્હણ ને દક્ષિણા અને ગાયોનું દાન કરી. ખુબ ધર્માદો કર્યો.

સતાધારની જગ્યા તરફ નવાબ ની અત્યંત લાગણી હોવાથી પૂ.કરમણબાપુએ સતાધાર જગ્યાની અને આજુબાજુની જમીનના કાયદેસરનો દસ્તાવેજ કરી આપવા માંગણી કરી… જૂનાગઢ નવાબ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ થયો…. અને સોરઠ સરકાર મ્હોરધરાવતો પાકો દસ્તાવેજ પૂ.કરમણબાપુને હાથો હાથ જગ્યામાં આવીને સોંપવામાં આવ્યો….

પૂ.કરમણબાપુનો સમય થતા પૂ.જાદવબાપુને સતાધાર બોલાવી પૂ.કરમણબાપુ પોતાના આસન પાસે દોરી જઈ જગ્યાના અગત્યના માણસોની હાજરી માં સતાધારની ગાદીના મહંત તરીકે પૂ.જાદવબાપુને તિલક આપતા કહે છે.- ” હવે તારો સમય પાકી ગયો છે. અને જગતમાં તું જાદવપીર તરીકે ઓળખાઈશ.”  તેમજ પૂ.આપાગીગાની પ્રસાદીની વસ્તુઓ તેમજ પોતાના કપડાં , વાળનીલટ,   અને બેરખો અને પૂ.કરમણબાપુને જૂનાગઢ નવાબ તરફથી રજવાડી પહેરામણીનો પોષાક અને પોતે કરાવી લીધેલા જગ્યાના દસ્તાવેજ ની સોંપણી કરી જગ્યાની તમામ પ્રણાલીની વિગતો સમજાવી પદમાસન વાળી બધાને જય આપાગીગા કહી આંખ બંધ કરી હાથ જોડી દીધા પૂ. કરમણપીર ઈચ્છીત મુત્યુને પામે છે. પૂ.કરમણપીરએ અગાઉથી તૈયાર કરાવેલ સમાધિના ખાડામાં.. જાદવબાપુએ પોતાના હાથે સાધુ – સંતોની આચારસંહિતા અને પરંપરા મુજબ વિધિવત કરમણબાપુને સમાધિ આપી .

સોરઠની ધરતી ઉપરની આ જગ્યામાંથી આબીજા અલખના ઓલિયા અને પ્રગટપીરાણાએ વિ.સ. 1939 ના ચેત્રમા સમાં વિદાય… અને સિદ્ધયોગી આત્મા જાદવબાપુનો સતાધારની જગ્યાના મહંતપદે બિરાજવાનો પ્રસંગ બન્યો…