તપસ્વી, નિખાલસ અને વચન સિદ્ધ પ્રવર્તમાન
પૂ.મહંત શ્રી જેરામબાપુ ગુરુશ્રી મોહનબાપુ
પૂ.મહંતશ્રી જેરામબાપુ બગસરા જગ્યાના ગાદીપતિ બન્યા બાદ પૂ.મોહનબાપુની અદમ્ય અંતિમ ઝંખના પુરી કરવા ઈ.સ.તા.26/5/1996 ના રોજ સૌરાષ્ટ્રના સંતો – મહંતો, જગ્યાના અનુયાયીઓ અને હજારો માણસોની હાજરીમાં ” હરિહર ” ટુકડાનો શુભારંભ કર્યો તેમજ ” વિરલસંત આપાગીગા ” જેમાં સંત પૂ.શ્રી આપાગીગાના જીવનચરિત્ર સમા આ મહાન અનમોલ પુસ્તકનું વિમોચન કર્યું.
પૂ, મહંતશ્રી જેરામબાપુ ગાદીપતિ બન્યા પછી દર સોમવારે નિર્જળા ઉપવાસ અને મૌન પાળે છે. ચેત્રી નોરતા સમયે મૌન સાથે નિર્જળા ઉપવાસ કરે છે. આવી અનેક કઠોર તપસ્યા કરે છે. પૂ.બાપુ તપસ્વી સાધક ની જેમ પદયાત્રા દ્વારા દ્વારકા, તુલસીશ્યામ, વિરપુર, ચલાલા, સતાધાર, પાળીયાદ અને સોમનાથ દાદાના દર્શને ભાવિકોને સાથે રાખી યાત્રા કરી સાધુતા દીપાવી છે.. તેમજ જેમના દર્શન માત્ર થી જીવન ધન્ય કરતા મહાકુંભમેળો, અર્ધકુંભમેળાઓ, ચારધામયાત્રા અને બાબાઅમરનાથની યાત્રાઓ કરી ઘણું પુણ્ય કમાયા છે. તો અત્યાર સુધી માં ઈ.સ.2002 અને 2005 માં એમ બે વખત અમેરિકા જેવા દેશમાં જઈને ત્યાં પણ હિન્દૂધર્મ અને સનાતન ધર્મનો જય- જય કાર કરાવી ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા વિદેશ ના પ્રયાસો પણ કર્યા છે.
પૂ.જેરામબાપુએ ઈ.સ. 2005 માં બગસરા ગીગેવધામ ખાતે તા.2/5/2005 થી તા.8/5/2005 સુધી સુરતથી વક્તા પૂ.મુળદાસબાપુની વાણીમાં” રામદેવરામાયણ ” તેમજ પૂ. મોહનબાપુનો ભવ્યાતિ ભવ્ય ભંડારો અને સંતમેળો કરી સમગ્ર ભાવિકો માટે ભોજનપ્રસાદ અને સાધુ સંતોને દાન – દક્ષિણા કરવામાં આવી હતી.
પૂ.મહંતશ્રી જેરામબાપુએ પોતાના પૂ.માતૃશ્રી દૂધીમાને પૂ.બાપુના અનુજબંધુ બાવભાઈ, ભગુભાઈ, તેમજ કોઠારી હરિબાપુ ને સાથે રહેવાનું કહી બગસરાથી ચારધામની યાત્રા પૂર્ણ કરાવી અને જયારે આ પવિત્ર આત્મા ઇ.સ. 2007 માં બ્રમ્હલીન થાય છે ત્યારે તેમને સમાધિ આપી માતૃશ્રી દૂધીમાં પાછળ ‘ભવ્ય ભંડારા મહોત્સવ ‘ તા.4/4/2007 ના રોજ સ્તંભ વિધિ અને સંતમેળો કરી હજારો લોકોને પ્રસાદી લેવરાવી બગસરાની ધરતીને આ શુભકાર્ય થી પાવન કરે છે.
પૂ.જેરામબાપુના સાનિધ્યમાં પૂ.આપાગીગાની જગ્યામાં અષાઢીબીજ, જન્માષ્ટમી, નવરાત્રી, નવા વર્ષે અન્નકૂટભોગ – પ્રસાદ, રામનવમી, જેવા તહેવારો ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે અને આવનાર ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.
પૂ.શ્રીઆપાગીગા ગાદી મંદિર દ્રારા કરવામાં આવતી સેવાકીય પ્રવુતિઓ જેમાં સાધુ – સંતો અને નિરાધારો તેમજ પગપાળા આવતા પદયાત્રીઓ ના સંઘ માટે બપોરે અને સાંજે હરિહર ટુકડો આપવામાં આવે છે. તેમજ ગો – સેવા, સર્વરોગ નિદાન કેમ્પ, જરૂરિયાત મંદ લોકોને સહાય, સમૂહલગ્નમાં યોગદાન અને કુદરતી આપત્તિઓ વખતે પૂ.આપાગીગા ગાદી મંદિર માંથી સેવા અને સહયોગ આપી માનવીય ગુનો અને રાષ્ટીય મૂલ્યોને વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યા છે.
હાલમાં પૂ.મહંતશ્રી જેરામબાપુ તેમના અનુજ ભાઈઓ બાવભાઈ, ભગુભાઈ અને કોઠારી હરિબાપુના પરિવાર સાથે જગ્યામાં જ રહી પૂ, આપાગીગાથી લઈને આજ સુધી હર – હંમેશ સાધુ, સંતો – મહંતોની, દિન – દુઃખીયાઓની સેવા કરવી અને ભૂખ્યાને રોટલો આપવો એવા સંસ્કારો વારસામાં જ લઈને આ પરિવાર જાતમહેનત કરી આજ પર્યંત અજાચક રહી પૂ.મહંતશ્રી જેરામબાપુ તેમના પરિવાર સાથે સેવાનો ધર્મ બજાવી આ ભવ્ય પરંપરાને ઉજળી કરી રહ્યા છે.