સતાધાર તેમજ બગસરા ના ગાદીપતિ
પૂ.શ્રી જાદવબાપુ ગુરુશ્રી કરમણબાપુ
જાદવબાપુ મૂળ બીલખા પાસેના હડમતીયા ગામે ભેસાણિયા અટકના લેઉવાપટેલ રણછોડભાઈ લાખાભાઇના તે મોટા પુત્ર પૂ.કરમણપીરે એક વખત સંતમંડળી સાથે હડમતીયા ગામમાં પગલાં કર્યાં ત્યારથી જ જાદવબાપુ કમાઈવાળો જીવ અને જાદવબાપુને વખતો વખત ઈશ્વરીય સંકેતોનો સાક્ષાત્કાર થતો.
જાદવબાપુના પત્નીનું નામ સોનબાઈબેન તેમને સંતાનમાં માત્ર બે દીકરીઓ જ હતી. મોટા દીકરી જીવીબેન અને નાના દીકરી દેવલબેન તેમને મોરવાડા ગામે ભગવાનબાપા વેરે પરણાવેલા આમ બનેં દીકરીઓ ને સાસરે વળાવી તેમની સાંસારિક ફરજમાંથી મુક્ત થાય છે…
એ જ અરસામાં તેમને ઝડપ ભેર સતાધાર પહોંચવાનો સંદેશો પૂ.કરમણપીર મોકલાવે છે. પૂ.જાદવબાપુ સતાધાર પહોંચતા જ પૂ.કરમણપીર તેમનો હાથ ઝીલીને પૂ.આપાગીગાની સમાધિ પાસે લઇ જઈ જગ્યાના અગત્યના માણસોની હાજરીમાં સતાધારની ગાદીના મહંત તરીકે પૂ.જાદવબાપુને તિલક આપતા કહે છે.- ” હવે તારો સમય પાકી ગયો છે. અને જગતમાં તું જાદવપીર તરીકે ઓળખાઈશ.” તેમજ પૂ.આપાગીગાની પ્રસાદીની વસ્તુઓ તેમજ પોતાના કપડાં , વાળનીલટ, અને બેરખો આપીને ઈચ્છીત મુત્યુને પામે છે.
જાદવબાપુએ સતાધારની જગ્યાનો વર્ષો સુધી સુંદર વહીવટ ચલાવ્યો. આ મહેત મહાત્મા જગ્યાની પ્રવુતિમાં ઓતપ્રોત બની ગયા. જગ્યાનો વહીવટ દિવસેને દિવસે વધવા લાગ્યો. સખત પરિશ્રમને કારણે જાદવબાપુની તબિયત લથડી અને તેમને ગીરનું પાણી લાગ્યું હોવાથી ચિકિત્સા થઇ. તેની જાણ બગસરા ના દરબાર ને થતા તેમને બાપુને પાણી ફેર કરવા બગસરા પધારવાની વિનવણી કરી. અતિ આગ્રહને વશ થઇને જાદવબાપુ તેમના વિશ્વાસુ સાથીદારો રામબાપુ આહીર અને હરિબાપુને જરૂરી ભલામણો કરી બગસરા પધાર્યા. સાથે સતાધારની જગ્યાનો મુખ્યકારો બાર તેમજ પૂ.આપાગીગાબાપુ તેમજ પૂ.કરમણબાપુની પ્રસાદીની બહુ મૂલ્ય વસ્તુઓ પવિત્ર વારસાનું જતન કરવાની ગાદીપતિ તરીકે ની પોતાની જવાબદારી સમજી મુખ્ય કારોબાર પોતાની સાથે જ બગસરા લઈને આવ્યા.
પૂ.આપાગીગાએ બગસરાથી વિદાયવેળા એ દ.શ્રીગોદડવાળાને આપેલ વચન પાળવા વારસદાર રૂપે પૂ.જાદવબાપુ બગસરા પધાર્યા હોવાનું બધા માનવા લાગ્યા. ધીમે ધીમે જાદવબાપુની તબિયત સુધારા પર આવી. સતાધાર ગાદીપતી હોવાથી એકાંતરે ત્યાંના સામાચાર તેઓ મંગાવતા પૂ. જાદવબાપુને દરેક વખતે તબિયત સુધરતી ગઈ. એમની સેવાચાકરી માટે વાળા રાજવીઓ તરફથી ખાસ ગોઠવણ કરવામાં આવી… બગસરાની જગ્યાનો કારોબાર પૂર્વવત ચાલુ થઈ ગયો… પૂ.આપાગીગા એ પ્રગટાવેલ ધુણો ચાલુ હતો. પૂ.આપાગીગા એ સ્થાપેલ હનુમાનજતિ અને ભગવાનશંકરની સેવા પૂજા પૂ.જાદવબાપુએ સ્વયં સાંભળી લીધી. પૂ.જાદવબાપુને સતાધાર પધારવા વિનવણી કરતા પણ જવાબમાં દરેક વખતે જાદવબાપુ કહેતા–
“ત્યાં મારા નિયુક્ત કરેલા બને પ્રતિનિધિઓ લાયક વ્યક્તિઓ છે, તમારે કોઈ વખતે મુંજાવાનું નથી.” અને પૂ.જાદવબાપુએ બગસરામાં જ રહી સતાધાર તેમજ બગસરા બંને જગ્યાનો વહીવટ કર્યો તેઓ ને બગસરાની જગ્યા ન છોડવાનો કોઈ ગેબી અવાજ સતત તેમના હૈયામાં પડઘાયા કરતો.
પૂ.જાદવબાપુએ પૂ.આપાગીગાના ચરણ પધરાવી હાલની જગ્યામાં પ્રથમ વખત દેશી નળિયાંવાળું દેવળ ચણાવ્યું. દેવળ નીચે ભુગર્ભમાં અગાઉથી પોતાના માટે પાકી સમાધિ તૈયાર કરાવી લીધી. દક્ષિણ બારનો ભંડારો ચણાવ્યો અને જગ્યાની ડેલી ઉતરાદાબાર ની રખાવી બગસરાની જગ્યાને દેવત્વ ભર્યું ચેતન અર્પવા અંતિમ સમય સુધી બગસરા ન છોડવાની દૈવી પ્રેરણા થઇ…
બગસરામાં પૂ.જાદવબાપુએ અસંખ્ય પરચાઓ આપ્યા. કંઈક ના રોગ મટાડયા, પંથ ભૂલ્યા માનવીઓ ને સન્માર્ગે વળ્યાં. અને ઘણાને રિદ્ધિ સિદ્ધિ આપી. એકવાર પૂ.જાદવબાપુ જગ્યાની ઓસરીમાં બેઠા બેઠા માળા ફેરવતા હતા તે સમયે … લોભી વેવાઈ એ પૈસાની લેતી દેતી અંગે બિન જરૂરી ચર્ચા કરી.. જાદવબાપુ કન્યા વિક્રયનાં દુષણથી નારાજ હતા. સમાજ માં પરિવર્તન લાવવાના આશ્રયથી ઉભા થઈને એક આડી ઉપર એક બડીયો ફટકારી ચાંદીના રુપિયાનો ઠગલો કર્યો. અને કહ્યું ભાઈ આમાંથી તમારે જેટલા જોઈતા હોય તેટલા રૂપિયા ગણી લ્યો… આવી અલોકિક શક્તિથી થયેલો રૂપિયા નો ઠગલો જોઈને વેવાઈ મુંઝાય ગયો. હાલ આ લાકડાની ચમત્કારીક આડી અને બડીયો બગસરાની જગ્યામાં આજે પણ મોજુદ છે.
બગસરાના આણંદભાઈ દેસાઈના દીકરી સમજુબેન નાનપણથી જ જગ્યામાં ટેલ કરવા આવતા. પૂ.જાદવબાપુની તેમના પર અનન્ય કૃપા હતી. યુવાન વયે તેમના લગ્ન સમઢીયાળા ગામે ભુરાભાઇ ગઢિયા વેરે થયા હતા. તેમને સંતાન માં બે દીકરીઓ થયેલી… પાછળથી તેઓ બગસરા આવીને વસ્યા હતા. દીકરો હતો નહિ તેથી જાદવબાપુ પાસે આશીર્વાદ માગ્યા… પૂ.જાદવબાપુએ કહ્યું તમારે બે દીકરા થશે. નિશાની તરીકે મોટા પુત્રને જમણાં પગની ઘૂંટી ઉપરની બાજુએ એક સફેદ ડાઘનું તલકું હશે, દર છ મહિને આ ડાઘ બીજા પગે ફરી જશે. આ વાત સાચી પડી આ સમજુમાના મોટા પુત્ર મોહનભાઇ હાલ બગસરામાં હૈયાત છે. અને દર છ મહિને તેમના પગે સફેદ ડાઘ ફરતો રહે છે, અનેક પરચાઓ તેમજ શુભકાર્યો આ પાવન ભૂમિ પરથી તેમના હાથે થતા રહ્યા અને તેઓ જાદવપીર તરીકે ચોમેરખ્યાતિ પામ્યા.
પૂ.જાદવબાપુને સંતાનમાં બે દીકરીઓ જ હતી તેમને પુત્ર ન હોવાથી તેમને તેના નાના ભાઈ ગોપાલભાઈના મોટા પુત્ર પૂ.કલ્યાણબાપુમાં તેજસ્વિતા પારખી પોતાની હયાતી માં જ જગ્યામાં ટેલ કરવા રાખ્યા હતા. પોતાનો સમય પૂરો થઇ જવાની અગાઉથી જાણ થતા જગ્યાની પ્રણાલી મુજબ વિધિવત રીતે કલ્યાણ બાપુને સ્વહસ્તે તિલક આપી વિ.સં .1969 માં પોતે તૈયાર કરાવેલ બગસરા જગ્યાના દેવળ નીચેની સમાધિમાં જાતે બેસીને જીવતા સમાધિ લીધી. પૂ.આપાગીગાબાપુના ચરણોની તેમજ બહુ મૂલ્ય પ્રસાદની વસ્તુઓની કાયમ સવારે પૂજા-પાઠ, મંગળા આરતી કરી હોમાત્મકયજ્ઞ કરવામાં આવે છે. તેમજ દરરોજ સાંજે ઠાકરની મહાઆરતી ઉતારવામાં આવે છે. અને ઘણા બધા દર્શનાર્થી ઓ તેમનો અલભ્ય લાભ લે છે. તેમજ બપોરે અને સાંજે પદયાત્રીઓ, સાધુ – સંતો, ફકીરો, નિરાધારો ‘ હરિહર ‘ નો સાદ પડે પ્રસાદ લે છે.