" જય શ્રી દાનવિહળ ગીગેવનાથ નમઃપ્રસન્નોસ્તુ"

" સંકટમાં કપરો સમય અને સગો તજી દે સાથ,
મતિ મૂંઝાણી માનવી તું સમરને ગીગેવનાથ. "

સૌરાષ્ટ્રની ધરતી એટલે સતિ – સંત,  દાતાર અને શૂરાઓ ની જન્મદાત્રી ભૂમિ આ ધરતીનું ગૌરવ વંતુખમીર, ખાનદાની, શહીદી અને મહેમાનગતિનો જોટો જગતમાં અન્ય કોઈ સ્થળે મળવો મુશ્કેલ છે. તેનો ભારત વર્ષનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ કાયમ તેની સાક્ષી બની હંમેશા તેની યાદ તાજી કરાવતો રહ્યો છે.

ભારત ભૂમિ પર અધર્મનો નાશ કરવા અને ધર્મનો જય જય કાર કરવા યુગે-યુગે ભગવાન શ્રીરામ, શ્રીક્રિષ્ના, શ્રીરામદેવજી મહારાજ મનુષ્ય અવતાર ધારણ કરી અવતરતા રહ્યા છે. ચલાલા પૂ.દાનમહારાજ,  પાળીયાદ પૂ.વિસામણબાપુ,  સતાધાર પૂ.આપાગીગાબાપુ,  વીરપુર પૂ.જલારામબાપા,  બગદાણા પૂ.બજરંગદાસબાપા,  પરબ શ્રીસતદેવીદાસ – શ્રીઅમરદેવીદાસ બાપુ જેવા નભ સૂર્ય સમાન સંતો – મહંતો, જતીઓ – સતીઓ આ સંતધર્મને ટકાવી રાખવા પોતાની જાત ઘસીને સનાતન ધર્મને હંમેશા લહેરાતો રાખ્યો છે. 

કાઠિયાવાડની સુવર્ણ ધરા પર ચલાલા ગામે અંશાવતાર પૂ.દાનમહારાજના આશીર્વાદથી ટીંબલાના ગધ્ધઇદંપતી અલેયા ભગત અને સુરીબાઈને ત્યાં વિક્રમસંવત 1933 માં પુત્ર  ‘ગીગા ‘ નો જન્મ થાય છે. જે સમય જતા સતાધારના ‘ ગીગડાપીર ‘તરીકે પૂજાય છે. આમ સૌરાષ્ટ્રની ધરતી ઉપર એક અદભુત ગેબી સંતનો ઉદય થયો કે જેમની કરુણા અને અમીકૃપા વડે પાછળથી હજારો માનવીઓના જીવન પથમાં આવેલી વિપદાઓ દૂર થઈ … અને આવનારા યુગોમાં થતી રહેશે. પૂ.આપાગીગાએ ચલાલા દાન મહારાજના સાનિધ્યમાં પોતાનું બચપણ વિતાવ્યું.

નાનપણથી જ ગાયમાતા પ્રત્યેનો પ્રેમ અને તેમની સેવા સમય જતા દાન મહારાજના હાથે દીક્ષિત થઇ તેમના શિષ્ય બની ગુરુ કરતા  સવાયો થઇ જગતના દુઃખ દૂર કરવા અને ભુખ્યાને રોટલો આપવો નિરાધારનો આધાર બની કાયમ માટે અજાચક રહી સેવાનો ધર્મ અને પીરાઇ લઇ પૂ . ગીગાબાપુને ગુરુએ આપેલા ગાય અને વાછરુઓ લઇ ગુરુના કહ્યા પ્રમાણે -“જ્યાં આપમેળે શ્રીફળ, લીલુ કપડુ , લોબાન નો ધૂપ અને સોપારી મળે ત્યાં કાયમી નિવાસ કરવો આ જગ્યા દેવતાઈ હશે .” એવા ગુરુદાન મહારાજએ આશિર્વાદ આપ્યા અને કહયું ” તું મારા કરતા સવાયો થઈશ જગમાં તારા નામના નેજા ફરકશે. આ મારું વચન છે કે અધિકારી આત્મા જ તારો વારસ બનશે, અને દર ત્રીજી પેઢીએ તું નો તું જ હોઈશ. ભુખ્યાને ટુકડો દેજે, ગાયોની સેવા કરજે અને આજથી હું તને સાતદાનાની પીરાઇ આપુ છુ તારો પીરાઈ જીવ અમર રહેશે અને તું અમર કીર્તિને વરીશ. “પૂ.દાનબાપુએ પોતે ગળામાં પહેરેલ ગંઠો ગીગાની ડોકમાં પધરાવ્યો અને આજથી તારે ગાયોના ગોવાળ બનવાનું છે કહી પાસે પડેલી પોતાની કાયમી લાકડી પૂ.આપાગીગાને સોંપણી કરી,  ચેતન સિદ્ધિઓ ભરેલી આ લાકડી પૂ. આપાગીગાએ બંને  હાથથી લીધી ત્યારે બને સંતોએ એકબીજા સામું જોયું, આંખથી ગૂઢવાત કરી લીધી . આ રીતે આપાગીગા અલોકિક વિધિથી દીક્ષિત બન્યા. અને ચલાલા જગ્યામાં દાનબાપુ ના શિષ્ય બન્યા.

પૂ.આપાગીગા વચનો શીશ પર ચઢાવી ગુરુ આદેશને પાળવા તેઓ ચલાલા થી આંબા, અમરેલી, માંડવડા અને બગસરા દ.શ્રીગોદડવાળા સાથે બગીમાં બેસી આપાગીગા માંડવડા થી સવારમાં જ બગસરા પધાર્યા. બગસરામાં પોતાનું પ્રથમ પગલું દરબારગઢના ચોગાનમાં મૂક્યું. સાતલી નદીના કાંઠે આવેલ દરબારગઢમાં આપાગીગાનો ઉતારો આપ્યો. મોટાભાઈ હરસુરવાળા અને નાનાભાઈ વાજ સુરવાળા દરબારીઓ સાથે હાજર હતા. બધા પગે લાગ્યા. બ્રામ્હણોને બોલાવી આપાગીગાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું. થોડીવારમાં માલ ઢોર લઈને ટેલવાઓ આવી પહોંચ્યા, હાલની જગ્યાએ માલ ઢોર ઉભા રાખ્યા અને નીરણ પાણી કર્યા. પૂ.આપાગીગાને બેસવા માટે દરબારગઢમાંથી એક ઢોલિયો આવ્યો. આ ઢોલિયો આજે પણ બગસરા મંદિરમાં મોજુદ છે. 

દંતકથા મુજબ પૌરાણિક યુગમાં આ વિસ્તાર બગદાલમઋષિની તપોભૂમિ હતી. રામ અવતાર જોયા હતા અને રહેવા માટે ઝૂંપડી પણ બાંધીન હતી. પરંતુ સૂર્યનાં તાપથી બચવા માટે ઘાસનો પૂળો આડો રાખતા આવા નિર્લેપ અને તપસ્વી ઋષિનાં બેસણાની આ પાવન ધરતી હતી. તેમને પોતાના આસનની જગ્યાએ એક ધુણો પ્રગટાવ્યો હતો અને ભગવાન શંકરની સ્થાપના કરી. હાલ તે બગેશ્વર મહાદેવ મંદિર તરીકે મોજુદ છે. બગદાલમઋષિના નામ પરથી બગસરા ગામનુ નામ પડયું.

પૂ.આપાગીગાને દરબારગઢમાંથી આ દરબારી બેઠક માં પગલાં કરાવી ત્રણેય ભાઈઓ એ રજવાડી રીતે સન્માન કર્યુ. અતિસરળ સ્વભાવના સંતને એવું ભારે માનપાન બહુ મુંઝવનારું બન્યું.

બગસરામાં આપાગીગાને ધરપત થઈ ઠાકરની સેવા પૂજા શરૂ કરી. સાધુ સંતો માટે ટુકડો શરુ કર્યો અને બીજને દિવસે આ જગ્યાએ આપાગીગાએ બગસરાની ધરતી ઉપર પ્રથમ વખત લીલો નેજો, અને નવરંગી ધ્વજા ફરકાવી અને જગ્યાની સ્થાપના કરી. 

જે સંતને ખુદ રાજવીઓ એ આવકાર્યા હોય તેમને સ્વાભાવિક રીતે પ્રજા પણ સ્વીકારે એ રીતે ગામનાં તમામ વર્ગનાં લોકો તેમજ આજુ બાજુના ગામડાનાં ના માણસો આપાગીગાના દર્શને ઉમટી પડયા. જગ્યાની દેખરેખ અને વ્યવસ્થા આપાગીગા જાતે સંભાળતા માલ ઢોર ચારવાની જવાબદારી ટેલિયાઓ એ સહર્ષ સ્વીકારી લીધી. તમામ ગાય અને વાછરુને નિયમિત નીરખવા વાડી એ જવાનો આપાગીગા નો અચૂક નિયમ હતો. પરંતુ આપાગીગા દરબારગઢ સિવાય ગામમાં કયારેય ગયેલા નહિ. દરબારગઢમાંથી નિર્ણય થયો કે બગસરાની તપોભૂમિ જેવી ધરતી પર આપાગીગાના પગલાં કરાવવા જોઈએ આ પવિત્ર સંકલ્પ પાર પાડવા બીજે દિવસે સવારમાં કામદાર અને મહાજનના આગેવાનો એ જગ્યામાં આવી પૂ.આપાગીગાને વિનંતી કરી એ ગામમાં અને ગામ ફરતો આટો મારો એવી અમારી માંગણી છે.

પૂ.આપાગીગા બધા સાથે ગામમાં ગયા પ્રથમ પાદરે બગેશ્વર મહાદેવના દર્શન કર્યા રાજલ વીજલની દેરીએ દર્શન કર્યા. એકવાર જયાંથી આપાદાનાનું સામૈયું થયેલું એ છોબનદરવાજે આવ્યા સાથેના આગેવાનો એ વાત કરી કે અહીંથી દાનબાપુનું સામૈયું થયું હતું. આપાગીગાને દાનબાપુનું સ્મરણ થતાં લાગણીવશ બની ગયા. છોબનદરવાજા પાસે ધરતીનો સ્પર્શ કરી આંખે અડાડયો. આમ આ રીતે વિરલ સંતે બગસરાની ધરતીને પોતાના પવિત્ર ચરણોથી પાવન કરી. આ દેવત્વ પામેલી ભૂમિએ આજ સુધીમાં અનેક અનન્ય સિદ્ધ મહાત્મા ઓ ને આકર્ષ્યા છે. 

એકવાર સાંજના સમયે દરબાર ગોદડવાળા જગ્યામાં આવીને આપાગીગા પાસે ચાકળા ઉપર બેઠા છે. સાથે બે નાના રાજકુંવરો ભાયાવાળા અને માત્રાવાળા જગ્યાની પીપર પાસે રમે છે. આપાગીગા માળા ફેરવતાં ફેરવતાં આકાશ સામે જોઈ પછી ગોદડવાળા સામે જોઈ નિરાંતે બોલ્યા,  દરબાર મારા રુદિયામાં ઉડે ઉડે કોઈ અજાણી દેવભૂમિ મને બોલાવતી હોય એમ છેલ્લા પાંચ દિવસથી લાગ્યા કરે છે. બગસરાની માયા મુકાતી નથી. તમે જગ્યા માટે અછો અછોવાના કરો છો. એટલે તમારી રજા માંગવાનું ગમતું નથી. હવે માલ ઢોર ખુબ વધ્યા છે. માતાજીયું વધારે સુખી થાય એવી જગ્યા એમને ગીરમાં જવાની રાજી ખુશીથી રજા આપો. મારા એક બે ટેલવા અહીંની જગ્યા અને જમીન ની સંભાળ રાખશે. ધુણો અખંડ રહેશે. અને આ જગ્યામાં જ હું પોતે મારા કોઈ વારસદાર ના રૂપે બગસરા પાછો આવીશ આ મારુ વચન છે.

વાત સાંભળી ગોદડવાળા પ્રથમ તો આચકો ખાઈ ગયા. પણ સાધુ – ચરિત આત્મા ને કોચવવો નહિ એવું કોઠા ડહાપણ ધરાવનાર આધીર ગંભીર રાજવી એ હૈયું સ્વીકાર તું ના હોવા છતાં પરાણે હા પાડી. ભલે બાપુ….. તમારી ઈચ્છા થઇ હોય તો ખુશીથી સીધાવો પણ અમારા વંશવેલાને આશીર્વાદ આપી જજો. અને હું હોઉં કે ન હોઉં અહીંની આ જગ્યાને યાવતચંદ્ર દિવા કરો રાખવાનું વચન પાળજો… કુંવરમાત્રા વાળા રમીને આપાગીગા પાસે આવ્યા. બાપુએ કુંવરમાત્રાવાળાને માથે હાથ મૂકીને કહ્યું આ માત્રાવાળાને બે દીકરા થશે. મોટાને જમણા પગે લાખું હશે તો માનજો કે આપાગીગા એ દીધેલ છે. આ મોટા કુંવર ભાયાવાળા ને પણ બે દીકરા થશે. અને તમારો વંશવેલો ચાલશે આ મારા તમને આશીર્વાદ છે.

કુંવર માત્રાવાળાને પાછળથી બે પુત્રો થયા. ગોદડવાળા અને સામતવાળા. ગોદડવાળાને જમણા પગે લાખું  હતું. અને આજે પણ તેમનો વંશવેલો બગસરા માં હૈયાત છે.

બગસરાની ધરતી ઉપર આ વિરલ સંતની જગ્યાની સ્થાપનામાં બગસરા રાજવીવાળા વંશ યશ ભાગી બન્યો અને વંશ પર આપાગીગાની અસીમ કૃપા વરસી છે.

પૂ.આપાગીગાએ માલ ઢોર અને જગ્યાની વ્યવસ્થાનો સંકેલો કરવાની સૂચના ટેલવાઓને આપી. ધુણો ચેતન રાખવા અને ધૂપ દીપ ચાલુ રાખવા બે ટેલવાને બગસરામાં જ કાયમી રહેવાની ભલામણ કરી. આપાગીગા બગસરામાંથી વિદાય થાય છે. એવી ખબર પડતા ગામના આગેવાનો એ બગસરા ના છોડવા વિનંતી કરી. પણ આપાગીગાએ કહ્યું,  આ જગ્યા ચાલુ જ રહેશે. અહીંની જગ્યાની વ્યવસ્થા માટે મેં બે ટેલવાઓને મુક્યા છે. અને ” સમય આવ્યે હું જ પાછો આવીશ ” પણ મારા વારસદાર ના રૂપે આ વચન મેં દરબારશ્રી ને આપ્યું છે. તમારા બધાને હેત હું કેમ ભૂલીશ ?બધા ને સાંત્વના આપી બાપુએ બગસરાથી વિદાય લીધી. માલ ઢોર લઈને ગીર પ્રદેશ તરફ રવાના થયા.

બગસરાની ભૂમિ પર લાંબો સમય રોકાઈ ને ગીરની વનરાઈ અને આંબાજરના કાંઠે સતાધાર ધામ માં ગુરુ આદેશને વળગી રહી અનેક પરચાઓ પુરી,  ચારેય દિશામાં ધર્મનો ડંકો વગાડી સતાધાર ની જગ્યામાં આ ઓલિયા પુરુષે ઈ.સ. 1869 જીવતા સમાધિ લઇ ચોમેરધર્મની સુવાસ ફેલાવી આ સૌરાષ્ટ્રની ધરતી પરથી એક પવિત્ર અને વિરલ સંતે દેહ વિદાય લીધી.

સતાધારની ગાદી પર અમર કિર્તને પામેલા પીર પુરુષ પૂ.આપાગીગાના વચન મુજબ – “અધિકારી જીવકાયમ આ જગ્યાનો વારસ બનતો રહેશે.” એ પ્રમાણે આપાગીગાએ સ્વ હસ્તે આપાકરમણપીર ને જગ્યાના ગાદીપતી તરીકે તિલક આપી વારસદાર બનાવ્યા.